Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

સર્જકનો ન્યાય:

ન્યાય અને ન્યાયના સિદ્ધાંત પર ઇસ્લામનો મંતવ્ય શું છે?

ઇસ્લામ લોકો વચ્ચે ન્યાયને લાગુ કરવા અને માપ અને વજનમાં ન્યાય કરવાનું કહે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"અને અમે મદયન તરફ તેમના ભાઇ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું હે મારી કોમ ! તમે અલ્લાહની બંદગી કરો તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી પહોંચી છે, બસ ! તમે માપ-તોલ પૂરેપૂરું કરો, અને લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો, અને ધરતી પર સુધારો થઇ ગયા પછી વિદ્રોહ ન ફેલાવો, આ તમારા માટે ફાયદાકારક વાત છે જો તમે માનો" [૨૩૨]. (અલ્ અઅરાફ: ૮૫).

"હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાવ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાવ, કોઇ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો, આ જ વાત તકવાની વધુ નજીક છે, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણે છે" [૨૩૩]. (અલ્ માઈદહ:૮).

"(મુસલમાનો) અલ્લાહ તઆલા તમને જરૂરી આદેશ આપે છે કે અમાનતદારોને તેમની અમાનત પહોંચાડી દો અને જ્યારે લોકો માટે ચુકાદો કરો તો ન્યાયથી કરો, નિ:શંક આ ઉત્તમ વસ્તુ છે જેની શિખામણ તમને અલ્લાહ તઆલા આપી રહ્યો છે, નિ:શંક અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જોવાવાળો છે" [૨૩૪]. (અન્ નિસા:૫૮).

"અલ્લાહ તઆલા તમને ન્યાય કરવાનો, એહસાન કરવાનો અને કુટુંબીજનોની (મદદ) કરવાનો આદેશ આપી રહ્યો છે અને અશ્લીલતા તથા વ્યર્થ કાર્યો અને વિદ્રોહ કરવાથી રોકે છે, તે એટલા માટે નસીહત કરી રહ્યો છે કે તમે (તેને કબુલ કરો) અને યાદ રાખો" [૨૩૫]. (અન્ નહલ: ૯૦).

"હે ઈમાનવાળાઓ ! પોતાના ઘરો સિવાય બીજાના ઘરોમાં ન જાઓ ત્યાં સુધી કે પરવાનગી ન લઇ લો અને ત્યાંના ઘરવાળાઓને સલામ ન કરી લો, આવું જ તમારા માટે શ્રેષ્ઠ છે, જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો" [૨૩૬]. (અન્ નૂર: ૨૭).

"જો ત્યાં તમને કોઈ ન મળે તો પછી પરવાનગી વગર અંદર ન જાઓ અને જો તમને પાછા ફરવાનું કહેવામાં આવે તો તમે પાછા ફરી જાઓ, આ જ વાત તમારા માટે પવિત્ર છે, જે કંઇ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે" [૨૩૭]. (અન્ નૂર: ૨૮).

"હે ઇમાનવાળાઓ ! જો તમને કોઇ પાપી ખબર આપે તો તમે તેને સારી રીતે તપાસ કરી લો, એવું ન થાય કે અજાણમાં કોઇ કોમને નુકસાન પહોંચાડી દો, પછી તમને પોતાના કર્યા પર પસ્તાવો થાય" [૨૩૮]. (અલ્ હુજુરાત: ૬).

"અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ કરાવી દો, પછી જો તે બન્ને માંથી એક બીજા (જૂથ) પર અત્યાચાર કરે તો તમે સૌ તે જૂથ સાથે, જે અત્યાચાર કરે છે, તેની સાથે લડાઇ કરો, ત્યાં સૂધી કે તે અલ્લાહના આદેશ તરફ પાછા ફરે, જો પાછા ફરે તો પછી ન્યાય સાથે મિલાપ કરાવી દો, અને ન્યાય કરો, નિ:શંક અલ્લાહ તઆલા ન્યાય કરવાવાળાઓને પસંદ કરે છે" [૨૩૯]. (અલ્ હુજુરાત: ૯).

"મોમિન તો સૌ એકબીજાના ભાઈ છે, એટલા માટે પોતાના બે ભાઇઓમાં મિલાપ કરાવી દો અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે" [૨૪૦]. (અલ્ હુજુરાત: ૧૦).

" હે ઇમાનવાળાઓ ! કોઇ જૂથ બીજા જૂથ સાથે ઠઠ્ઠા-મસ્કરી ન કરે, શકય છે કે તે ઠઠ્ઠા-મસ્કરી કરનાર કરતા ઉત્તમ હોય અને ન સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે, શકય છે તે તેણીઓ કરતા ઉત્તમ હોય અને એકબીજાને મેણા-ટોણા ન મારો અને ન કોઇને ખરાબ ઉપનામો વડે પોકારો, ઇમાન લાવ્યા પછી પાપનું નામ ખોટું છે અને જે લોકો આ વાતને છોડી ન દે, તો તેઓ જ જાલિમ છે" [૨૪૧]. (અલ્ હુજુરાત: ૧૧).

"હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે ? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે" [૨૪૨]. (અલ્ હુજરાત: ૧૨).

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "તમારા માંથી તે વ્યક્તિ ત્યાં સુધી મોમિન હોઈ શકતો નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતે પોતાના માટે પસંદ કરતો હોય. " [૨૪૩] આ હદીષને ઈમામ બુખારી અને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે.